પપ્પા, આવતી કાલે આપણે શોભિતકાકાને ત્યાં લગ્નમાં જવાનુ છે યાદ છે ને?"
"હા હા, તૈયારી થઈ ગઈ છે."
વહુ અંતરા અને પતિદેવ
સનતભાઈની વાત સાંભળી રસોડે પાણી પીતા મીનળબેન ઝટ ડ્ર્રોઈંગરૂમમાં આવ્યાં.
"અંતરા, કવર તૈયાર કરતા પહેલા જોઈ લેજો ગયાં વર્ષે તમારા લગ્નમાં એમનો કેટલો
ચાલ્લો આવ્યો છે?
"જી મમ્મી," કહીને અંતરા તેમના લગ્નની ચાલ્લાની નોટબુક લઈ આવી અને સાસુમાનાં હાથમાં
સોંપી.
મીનળબેન શોભિતભાઈનું નામ
શોધવાં લાગ્યાં પણ નામ તો જડ્યું જ નહીં.
"લ્યો, એમણે તો કાણી દમડીય નથી લખાવી!"
"શું બોલે છે તું!
મારો સગા કાકાનો દીકરો છે. સગા ભાઈની જેમ અમે રહ્યાં છીએ. બરાબર જો જરાં! ચારચાર
આંખો છે ને તોય દેખતી નથી. લાવ આપ મને!"
કહીં સનાતભાઈએ ચાલ્લા વાળી
બુક ખેંચી લીઘી અને જોવા લાગ્યાં. ઉપરનીચે આગળપાછળ બધે જોયું પણ...
તેઓ વિચારવા લાગ્યાં,
'આ શોભલો સાચે એકે રૂપિયો આપ્યા વગર લગનમાં બે દિવસ ચારચાર ટાઇમ ફુલ
ફેમિલી સાથે જમીને ગયો!'
"કેમ તમારી ચાર આંખે
જડ્યું તમારા લાડકા ભાઈનું નામ?"
મીનળબેન હોઠને પહોળા કરી
ચીડવતા બોલ્યા પરંતુ
સનતભાઈએ કંઈ જવાબ ન આપ્યો.
ત્યાં મીનળબેન ફરી થોડો સૂર મોટો કરી બોલ્યાં,
"હવે
આપણે પણ ચાલ્લામાં કંઈ જ લખાવવાનું રહેતું નથી." ઘરમાં એકદમ સોપો પડી ગયો
હતો. અંતરા આ બધું જોઈ મનમાં હસી રહી હતી. એવામાં અંતરાની મમ્મીનો ફોન આવ્યો.
અંતરા તેના બેડરૂમમાં જઈને ધીરેધીરે વાત કરવા લાગી.
આ જોઈ તેની મમ્મીએ પૂછ્યું,
"કેમ બેટા આટલું ધીમેથી બોલે છે?"
"અરે મમ્મી! ઘરમાં
યુદ્ધ પહેલાની શાંતિ છવાયેલી છે."
"એટલે?"
જવાબમાં અંતરાએ ઘરમાં તેના
સાસુ-સસરા વચ્ચે જે બોલાચાલી થઈ તે કહીં સંભળાવી.
આ બાજુ અંતરાનાં મમ્મી અને
શોભિતભાઈની પત્ની બંને સગી માસીયાઈ બહેનો થાય. દીકરીની વાત તેમને ખટકી. તેમની બહેન
કે શોભિતભાઈ આવું કરી જ ન શકે એવો તેમને વિશ્વાસ હતો. તેમના પેટમાં આ વાત ટકી નહીં
અને દીકરીનાં ઘરમાં રમખાણ રોકવા તથા બંને ભાઈઓ વચ્ચે ગેરસમજ દૂર કરવાનાં હેતુથી
તેમણે આ આખી વાત તેમની બહેનને કહીં દીધી. વાત પહોંચી શોભીતભાઈ સુધી.
શોભિતભાઈએ તરત જ સનતભાઈને
કોલ કર્યો.
"સનત, આ મારા વિશે તું શું અફવા ફેલાવે છે? ભાઈ થઈને
આવા કામ કરે છે!"
"આ શું બોલે છે શોભિત ? ભાંગ તો નથી ચઢાવીને? મેં શું અફવા ફેલાવી ભાઈ?"
ત્યારે શોભિતભાઈએ સનતભાઈને
ચાલ્લા વાળી વાત કરી.
સનતભાઇ થોડા ખસિયાણા
પડ્યાં પણ પછી દ્રઢતા પૂર્વક બોલ્યા,
"વાત સાચી જ છે, તારું નામ ચાલ્લાની બુકમાં જડ્યું નહીં તો... અલ્યા, પણ આ વાત મેં ઘરમાં કરી હતી એ તો ફક્ત મીનળ અને અંતરા જાણે. તને કોણે
કહ્યું? તે મારાં ઘરમાં કેમેરા લગાડ્યા છે કે તું મારી
જાસૂસી કરાવે છે, હૈં અલ્યા?"
"સનત્યા, સાવ ફેંકી દેવા જેવી વાત ન કર, આ બધું પ્રકરણ
તારી વહુ અંતરાની મા... મારી સાળીએ કહ્યું."
"આ બૈરાંઓનાં પેટમાં
કંઈ રહેતું જ નથી પણ મારી અંતરા તો બહુ ડાહી દીકરી હતી, એનેય એની સાસુનો રંગ લાગી ગયો લાગે છે." સનતભાઈ મનમાં જ બડબડવા
લાગ્યાં.
"શું બબડ્યા કરે છે
તું? જો સનત, સાંભળ
મેં તારા દીકરાના લગનમાં દસ હજારનો ચાલ્લો કર્યો હતો. તું મારો સગો ભાઈ નથી પણ મેં
સગાની જેમ જ તને માન્યો અને તે મારી સાથે આવું કર્યું. અરે! સીધો મને કોલ કરવો હતો, આમ વહુ જોડે વાત કેમ ફેલાવી?"
શોભિતભાઈનો આ ખુલાસો
સાંભળી સનતભાઈ થોડા ઢીલા પડ્યાં અને કહેવાં લાગ્યાં, "અરે ભાઈ! હું આવું કરું કોઈ દી'? ભાઈ છે
તું મારો! આ વેવાણને જ કંઈ સમજ ફેર થઈ છે."
"જો સનત, એ દિવસે ચાલ્લા લખવા આપણા જમાઈ આકાશકુમાર બેઠા હતાં તું એમને પૂછી જો કે
મારું નામ કેમ નથી.? એક કામ કર આપણે બંને તેમને મળી જ
આવીએ."
બંનેએ જમાઈ આકાશભાઈને ઘેર
જવાનુ નક્કી કર્યું.
શોભિતભાઈના ઘરે દીકરાના
લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી છતાં બધા કામ પડતાં મૂકી તેઓ સનતભાઈ સાથે આકાશ
કુમારના ઘરે આવ્યાં. આકાશકુમાર એટલે સનતભાઈની સગી બહેન કૃપાબેનના પતિ. બંને ભાઈઓને
જોઈને કૃપાબહેન અને આકાશભાઈ ખૂશ થઈ ગયાં અને મીઠો આવકાર આપ્યો. પાણી પીધા બાદ આકાશભાઈએ
આવવાનું ખાસ કારણ પૂછ્યું.
"શોભિતભાઈ, કેમ ચાલે છે લગ્નની તૈયારીઓ? અમારે લાયક કંઈ
કામકાજ હોય તો કહેજો."
"ચોક્કસ આકાશ કુમાર, કામ તો તમને સોંપવાનું જ હતું. મારે તો સગી બહેન નથી એટલે જમાઈમા તમે જ એક
છો અને લગનમાં ચાલ્લા લખવા તમને જ બેસાડવાના હતાં પણ... હવે એ કામ તમને નહીં સોંપી
શકાય."
શોભિતભાઈની આવી અવળી વાત
સાંભળી આકાશભાઈ તરત બોલ્યા,
"કંઈ સમજ્યો નહીં, હું અને કૃપા લગ્નમાં આવવાનાં જ છીએ, તમે કહેશો
એ બધું હું સંભાળી લઈશ. જરાય ચિંતા ના કરતા. અમે છીએ ને!"
"કુમાર, તમે છો એ જ ચિંતા છે."
"હું કંઈ સમજ્યો નહીં
શોભિતભાઈ."
ઓરડામાં અસહજ શાંતિ ફેલાઈ.
આકાશભાઈ અને કૃપાબહેન આવી
વાત સાંભળી ભોંઠા પડી ગયાં હતાં તેમના કપાળની રેખાઓ તંગ બની હતી. તેઓ જવાબ ની આશાએ
બંને ભાઈઓ સામે તાકી રહ્યાં હતાં.
પાંચમિનિટની ચુપ્પી બાદ
સનતભાઈએ તેમને ચાલ્લા વાળી વાત કહીં સંભળાવી.
આકાશભાઈના હોઠ જાણે સિવાઈ
ગયાં અને કૃપાબહેનની આંખોમાં આંસુ સાથે અનેક પ્રશ્ન તરવરી રહ્યાં.
"તમારા લીધે આજે
અમારી વચ્ચે ગેરસમજ થઈ ગઈ. કાલ ઉઠી એની અસર અમારા સંબંધો પર પડી શકી હોત. આ વાત
મને બહારથી મળી અને હું ખુલાસો કરવા
આવ્યો, નહીં તો..." શોભિતભાઈ આટલુ બોલી ગળગળા થઈ
ગયાં.
"કુમાર, તમે ચોરી...!?"
"હા!"
આકાશકુમારનો જવાબ સાંભળી
ત્રણે જણ વિસ્મય ભરી નજરે તેમને જોવા
લાગ્યાં. કૃપાબહેનનાં કાપો તો લોહી ન નીકળે એવા
હાલ થયાં હતાં. સહુની નજર આકાશભાઈ પર અટકી પડી.
થોડી ગંભીર પળો બાદ
આકાશભાઈ બોલ્યા, "એ સમયે મારે શેર બજારમાં ઘણું મોટું
નુકશાન થયું હતું. વળી લગ્નને કારણે કૃપા અને બંને દીકરીઓના ઘણા ખર્ચા માથે આવી
પડ્યાં, જેને લીધે બેંકખાતાનાં તળિયા દેખાવા માંડ્યા.
સગા ભત્રીજાનાં લગ્નમાં કંઈ હજાર પાંચસોનાં કવર થોડી કરાય! એવું કરું તો લોકો વાતો
કરે અને તમને સહુને મારી પરિસ્થિતિની જાણ થઈ જાય. હિસાબ મારે જ કરવાનો હતો માટે એ
દસ હજાર મેં મારા કવરમાં મૂકી દીધાં. તમે હિસાબ તપાસ્યો નહીં અને વાત ખૂલી પડી
નહીં. બધું સચવાઈ ગયું એમ માનીને મેં આ વાત ભુલાવી દીધી હતી. મને માફ કરજો ભાઈ, હું મજબૂર હતો."
શોભિતભાઈએ આકાશભાઈના
જોડેલા હાથ પકડી તેમને ગળે લગાવી દીધાં અને બંને ભાઈઓ કંઈ જ બોલ્યા વગર ત્યાંથી
ઊભા થઈ ગયાં. નીકળતી વખતે શોભિતભાઈ બોલ્યા,
"આ
વાત આ હવે આ રૂમની બહાર ન જવી જોઈએ. લગ્નમાં તમે બધા જરૂરથી આવજો, મારાં દીકરાને એક જ ફોઈ-ફુઆ અને બે જ બહેનો છે એના વગર એ કંઈ રીતે પરણશે?"
ચારેય જણની આંખના આંસુ
જુદીજુદી લાગણી સાથે વહી રહ્યાં હતાં. એકબીજાને ભેટીને સહુ છૂટા પડ્યાં.
એ દીવસે દરેક આવનારા
મહેમાનોના મોબાઈલમાં શોભિતભાઈનો મેસેજ રણક્યો...
"ચાલ્લા પ્રથાસદંતર બંધ છે, કોઈએ ચાલ્લો આપવાનો ખોટો આગ્રહ રાખવો નહીં ફક્ત આશીર્વાદ ફરજીયાત છે. તમને ઈચ્છા થાય તો એટલી રકમ જીવદયામા લખાવી દેશો."

कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
टिप्पणी करने के लिए 3 विकल्प हैं.
1. गूगल खाते के साथ - इसके लिए आप को इस विकल्प को चुनने के बाद अपने लॉग इन आय डी पास वर्ड के साथ लॉग इन कर के टिप्पणी करने पर टिप्पणी के साथ आप का नाम और फोटो भी दिखाई पड़ेगा.
2. अनाम (एनोनिमस) - इस विकल्प का चयन करने पर आप की टिप्पणी बिना नाम और फोटो के साथ प्रकाशित हो जायेगी. आप चाहें तो टिप्पणी के अन्त में अपना नाम लिख सकते हैं.
3. नाम / URL - इस विकल्प के चयन करने पर आप से आप का नाम पूछा जायेगा. आप अपना नाम लिख दें (URL अनिवार्य नहीं है) उस के बाद टिप्पणी लिख कर पोस्ट (प्रकाशित) कर दें. आपका लिखा हुआ आपके नाम के साथ दिखाई पड़ेगा.
विविध भारतीय भाषाओं / बोलियों की विभिन्न विधाओं की सेवा के लिए हो रहे इस उपक्रम में आपका सहयोग वांछित है. सादर.