હૈયાનાં ગોંદરેથી ઓચિંતું ઉમટેલું સ્મરણોનું ધણ આજે ભાંભર્યું,
મારાં ગામનું પાદર આજે સાંભર્યું.
પાદરનાં મંદિરે ઉજવાતી હોળી,
ને ધાણી ખજૂર ભરી બાપુની ઝોળી,
ને આસપાસ ટળવળતી ટાબરટોળી.
આંખે દૃશ્ય અકબંધ છે ભર્યું ભાદર્યું.
મારાં ગામનું પાદર આજે સાંભર્યું
હજી હૈયે સચવાણી છે મીઠી મૂડી,
મને થપ્પો રમતા જડી'તી રૂડી 'રૂડી'
પછી પ્રેમમાં તર્યો'તો હું તો બૂડી બૂડી.
ફરી શમણું ગમતીલું આજે પાંગર્યું.
મારાં ગામનું પાદર આજે સાંભર્યું.
બધું મેલીને આવ્યો હું માયાનગરી,
તોય મલ્લકની માયા ના છૂટી જરી,
હવે ઝુરું હું મીઠા સ્મરણોમાં સરી.
પ્રભુ! ગામવટો આપી તારું હૈયું ઠર્યું?
મારાં ગામનું પાદર આજે સાંભર્યું.
હૈયાનાં ગોંદરેથી ઓચિંતું ઉમટેલું સ્મરણોનું ધણ આજે ભાંભર્યું,
મારાં ગામનું પાદર આજે સાંભર્યું.

વાહ કવિ વાહ..
जवाब देंहटाएंવાહ કવિ વાહ..
जवाब देंहटाएं