ગુજરાતી ગઝલ - થોડું મોં પર હાસ્ય ધરો તો સારું લાગે, રક્ષા શાહ

 


થોડું મોં પર હાસ્ય ધરો તો સારું લાગે

અમને તો બિરયાની પર કાજુ લાગે.

 

અંગત બાબતના ઉત્તર સાચા ના આપ્યાં,

એનું જીવન અઘરું એક પલાખું લાગે.

 

'ભૂખ નથી', કે'છે પપ્પાનો ચહેરો જોઈ,

તો ખાલી ખિસ્સાનું ઉપરાણું લાગે.

 

ચાર રકમ મેળવવા જાણે એક ખૂટયો,

દોસ્ત મને તો તું નવસો નવ્વાણું લાગે.

 

આરોપોના ડાઘ પડ્યાં, ક્યારેય જશે નહિ,

જીવનભર મનમાં મોટું લાખું લાગે.

 

ફોટા સાથે અલમારીમાં દિલ ના રાખ્યું!?

તેથી તારી અલમારીમાં જાળું લાગે.

 

બચપણની યાદો તાજી થઈ તો સમજાયું,

ખિસ્સામાં થોડું પરચૂરણ પ્યારું લાગે.

 

ચાલાકીને નાદાની સાથે ના ફાવે,

બાળકનું ઘર તેથી એને કાઠું લાગે

 

કોઈ ના કયારેય વખાણે મોં ખોલીને,

મકતા વાંચ્યો ત્યાં તો મોંને તાળું લાગે.


1 टिप्पणी: